ભાગીદારી આગળ ચાલે તેમ નથી, તેથી મને રાજીનામું આપવું યોગ્ય લાગ્યુંઃ કુંબલે

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અનિલ કુંબલેએ કેપ્ટના વિરાટ કોહલી સાથે મતભેદોના કારણે મંગળવારે સાંજે રાજીનામું આપી દીધું. જેના કારણે તેમના સફળ કાર્યકાળનો અંત આવ્યો છે. કુંબલેએ બીસીસીઆઈને તેના ફેંસલા અંગે જાણ કરી. જે બાદ બીસીસીઆઈએ કુંબલેના રાજીનામાની પુષ્ટિ કરી. મોડી રાતે કુંબલેએ એક ટ્વિટ કરીને તેના રાજીનામાનું કારણ સ્પષ્ટ કર્યું. કુંબલેએ કહ્યું કે કેપ્ટન વિરાટ કોહલીને મારાથી પરેશાની હોવાનું જણાવવામાં આવ્યું હતું.

કુંબલેએ લખ્યું કે, ‘ક્રિકેટ સલાહકાર સમિતિએ મને હેડ કોચ તરીકે મારો કાર્યકાળ આગળ વધારવા કહ્યું હતું. પરંતુ તેની સાથે મને એવું જણાવવામાં આવ્યું કે કેપ્ટનને મારી કાર્યશૈલીથી પરેશાની છે. આ જાણીને હું હેરાન રહી ગયો. કારણ કે કેપ્ટન અને કોચની મર્યાદાઓ મને સારી રીતે ખબર છે. જોકે, બીસીસીઆઈ દ્વારા મારી અને કેપ્ટન વચ્ચે મતભેદ દૂર કરવાની કોશિશ કરવામાં આવી. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ ભાગીદારી આગળ ચાલે તેમ નથી, તેથી મને રાજીનામું આપવું યોગ્ય લાગ્યું.’

રિપોર્ટના અનુસાર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના અંત બાદ કુંબલેનો બીસીસીઆઇ સાથેનો કરાર પૂરો થયો હતો પરંતુ તેનો કરાર વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ સુધી લંબાવવામાં આવ્યો હતો. જોકે કુંબલેએ ટીમ સાથે વિન્ડીઝ રવાના થવાના બદલે ઇંગ્લેન્ડ ખાતે રહેવાનો નિર્ણય કર્યો હતો. બીસીસીઆઇએ કુંબલેના વિન્ડીઝ રવાના નહીં થવા અંગે સ્પષ્ટતા કરી હતી કે તેણે આઇસીસીની વાર્ષિક બેઠકમાં ભાગ લેવાનો હોવાથી તે ઇંગ્લેન્ડમાં રોકાયો છે. કુંબલે ક્રિકેટ સમિતિનો પ્રમુખ છે જે રમતના નિયમો અંગે નિર્ણય લે છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME