હું ભારતને ક્યારેય મિસ કરતો નથીઃ વિજય માલ્યાની નફટાઈ

કોર્ટની અવમાનનાના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે વિજય માલ્યાને સજા સંભળાવી શકે છે. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અવમાનનાના કેસમાં અપરાધી ઠરાવ્યો છે. અદાલતના જણાવ્યા અનુસાર વિજય માલ્યાએ પોતાનાં બાળકોને ચાર કરોડ ડોલર ટ્રાન્સફર કર્યા હતા. જે અદાલતના આદેશના ઉલ્લંઘન સમાન છે. આ દરમિયાન માલ્યાએ જણાવ્યું હતું કે તેઓ ભારતને ક્યારેય મિસ કરતા નથી.

ન્યાયમૂર્તિ એ. કે. ગોયલ અને ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતની બેન્ચે વિજય માલ્યાને બે કારણોસર દોષિત ઠરાવ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ બેન્કો દ્વારા દાખલ કરવામાં આવેલી એક પિટિશનની સુનાવણી બાદ થયો છે. તેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિજય માલ્યાએ બ્રિટિશ ફર્મ ડીએગો પાસેથી મળેલ ચાર કરોડ ડોલર (રૂ. ૨૫૮ કરોડ) પોતાનાં સંતાનોનાં નામે ટ્રાન્સફર કર્યા હતા. તેનું આ પગલું અનેક અદાલતી આદેશના ઉલ્લંઘન સમાન છે.

વિજય માલ્યા હાલ યુકેમાં છે અને ભારતે તાજેતરમાં બ્રિટનને માલ્યાનું તાત્કાલિક પ્રત્યર્પણ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ૯ માર્ચે વિજય માલ્યાને અસ્કયામતોની જાહેરાત અને પોતાનાં સંતાનોને મની ટ્રાન્સફર કરવાના મામલામાં સત્ય શું છે તે અંગે પૂછ્યું હતું.

સુપ્રીમ કોર્ટે બેન્કો દ્વારા વિજય માલ્યા વિરુદ્ધ અદાલતની અવમાનના કરવા અને ડીએગો ડીલ દ્વારા ચાર કરોડ ડોલર ડિપોઝિટ કરાવવાના આદેશ સંબંધિત બે પિટિશન પર ચુકાદો અનામત રાખ્યો હતો. બેન્કોએ એવો પણ આરોપ મૂક્યો હતો કે વિજય માલ્યાએ હકીકતો છુપાવી છે અને પોતાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા, દીકરી લીના માલ્યા અને તાન્યા-માલ્યાને નાણાં ડાયવર્ટ કર્યા જે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશના ભંગ સમાન છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME